Tuesday 21 July 2015

Jay Mulvanath

        રબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ મેર, આહીરની જેમ
 મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. દરેક જાતિની ઉત્પત્તિ વિશે
 જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદા જુદા મત હોઈ શકે છે.
        પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન શિવજી હિમાલયમાં તપ કરતા હતા ત્યારે પાંચ
 પગવાળું પ્રાણી (ઊંટ) અને તેની રખેવાળી કરનાર એક માણસ સર્જાયો. આ માણસે દેવલોકની 
અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ 'રઈ' નામની અપ્સરા 
સાથે લગ્ન કર્યા જેનો વંશ 'રાયકા' ના 
નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદી જુદી 
રજપુત(ક્ષત્રિય)જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ 
બહારનાં લગ્ન હોવાથી એપ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી.
      પૌરાણિક વાતોમાં જે હોય તે, પરંતુ આ જાતિનું મૂળ વતન એશિયા માયનોર હશે કે જ્યાંથી
 આર્યો ભારતમાં આવ્યા હતા. આર્યોનો મૂળ ધંધો પશુપાલનનો હતો અને રબારી જાતિનો ધંધો પણ 
પશુપાલન છે આ જાતિ પણ આર્યોની સાથે જ ભારતમાં આવી હશે તેવુ અનુમાન કરવામાં આવે છે.
     રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી, ધનગર, પાલ, હીરાવંશી, કુરુકુરબા, કુરમા, કુરબરુ, 
ગડરિયા, ગાડરી, ગડેરી, ગદ્દી, બધેલ ના નામે પણ ઓળખવામાં આવે છે.
     રબારી કોમ હિન્દુ દેવ-દેવીઓની ઉપાસક કોમ છે. ધર્મ,સંસ્કાર મજબુત દિવાલની જેમ 
અડીખમ છે. દરેક રબારીનાં ગામો કે નેસમાં કોઇને કોઈ રીતે ધર્મસ્થાનો સ્થપાયેલાં છે. કોમનો સંપ
 એ દ્વારા જ જળવાયો છે.જ્યાં ધર્મ કાર્ય થાય,દેવ દેવીની સ્થાપના થાય એવી જગ્યાને મંદિર, 
જગાગુરૂદ્વાર, ગુરૂદરબારના નામે ઓળખે છે. ગુજરાતભરમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે, જેવી કે 
દુધરેજ, દુધઈ, મેશરીયા, વાળીનાથ, પીરાણા,મૂળવાનાથ(દ્વારકા) , દેત્રોજ, ટીંટોડા, શેરથા વગેરે. 
આ જગ્યા(મંદિર) નો વહીવટ રબારી સમાજે સ્થાપેલા સંત,મહંત કે પેઢી દર પેઢી ચાલતા આવેલા સાધુ
 કરે છે. આવે સ્થાને સાધુ, સંત રહે છે જેમને રબારી કોમ પોતાના ધર્મગુરૂ માનીને તેમણે બતાવેલા 
રાહ પર રીતરિવાજો કરે છે. દરેક રબારીને પોતાના સંત પ્રત્યે ઊંડી શ્રધ્ધા હોય છે.